મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીની અધ્યક્ષતામાં સુરત ખાતે ‘નેશનલ ઈલેક્ટ્રીકલ કોડ ઓફ ઈન્ડિયા’ ૨૦૨૩ વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો

મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીની અધ્યક્ષતામાં સુરત ખાતે ‘નેશનલ ઈલેક્ટ્રીકલ કોડ ઓફ ઈન્ડિયા’ ૨૦૨૩ વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો


ગુજરાતને દેશભરમાં ઈલેક્ટ્રિકલી સેફ મોડેલ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર કાર્યરત: મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરી

---- 

વર્કશોપમાં રાજ્યભરના ૪૦૦થી વધુ એન્જિનિયરો જોડાયા: માનવસર્જિત દુર્ઘટનાઓને નિવારવા મહત્વપૂર્ણ ઈલેક્ટ્રિકલ સેફ્ટી અંગે જાગૃત્ત કરાયા

------- 

રાજ્ય સરકારની મુખ્ય વિદ્યુત નિરીક્ષક કચેરી, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અને નેશનલ ફેડરેશન ઓફ ઈલેક્ટ્રીકલ એન્જિનિયર્સ ફોર ઈલેક્ટ્રીકલ સેફટી(NFE)ના સંયુક્ત ઉપક્રમે ઉધના મગદલ્લા ખાતે ‘નેશનલ ઈલેક્ટ્રીકલ કોડ ઓફ ઈન્ડિયા-૨૦૨૩’ વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. જેમાં રાજ્યભરના ૪૦૦થી વધુ એન્જિનિયરો જોડાયા હતા.


 આ વર્કશોપમાં નેશનલ ઈલેક્ટ્રિકલ કોડ ઓફ ઈન્ડિયા-૨૦૨૩ અંતર્ગત તાજેતરમાં થયેલા ફેરફારો અને કાર્યપદ્ધતિ પર વિવિધ નિષ્ણાંતોએ વિચારો રજૂ કર્યા હતા. સાથે જ જરૂરી ઈલેક્ટ્રિકલ સેફટીના અભાવે દેશમાં ભૂતકાળમાં બનેલી કે હાલ બનતી માનવસર્જિત દુર્ઘટનાઓને નિવારવા અંગે વિદ્યુત સુરક્ષા માટેના મહત્વના પાસાઓ, બદલાવો અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

           રાજ્ય સરકારના મુખ્ય વિદ્યુત નિરીક્ષકશ્રી અશ્વિન ચૌધરીએ વીજળીનો બેદરકારીભર્યો ઉપયોગ ભયંકર અકસ્માત સર્જી શકે છે, અને વીજળીનો કરકસરયુક્ત ઉપયોગ રાજ્યના વિકાસમાં પૂરકબળ બની શકે છે એમ જણાવી ગુજરાતને દેશભરમાં ઈલેક્ટ્રિકલી સેફ મોડેલ તરીકે વિકસાવવા પર રાજ્ય સરકારની કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, વિદ્યુત સુરક્ષાને લગતા અનિચ્છનીય બનાવો ટાળવા રાજ્યભરમાં ઈલેક્ટ્રિક સુરક્ષા જાગૃતતા અંગે વિવિધ કામગીરી થઈ રહી છે, જેના ભાગરૂપે સુરતમાં દેશના સૌથી મોટા આ વર્કશૉપનું આયોજન કરાયું છે. 

તેમણે વીજળી વિષયક કાયદાઓનો અમલ કરી રાજ્યની વીજલક્ષી બાબતોની તપાસણી તથા સલામતીની તકેદારી, એનર્જી ઓડિટ, લિફ્ટ અંગેના કાયદાની અમલવારી જેવી કામગીરી મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી દ્વારા થતી હોવાની જાણકારી આપી હતી.

           ટેકનિકલ વિષય અંગે NFEના પ્રમુખ તેમજ BIS સમિતિના સભ્ય એસ. ગોપા કુમાર અને પ્રટેગોપ્લસ ઈલેક્ટરોટેક પ્રા.લિ.ના શ્રી ક્રિશ થિયોબાલ્ડે વિદ્યુત સલામતી અને ચકાસણીની મૂળભૂત બાબતોની છણાવટ કરતા તેમણે જણાવ્યું કે, NEC ૨૦૨૩ યોગ્ય વિદ્યુત ઉપકરણોની પસંદગીને આવરી લે છે. તેમજ વાયરિંગ અને ઈલેક્ટ્રિકલ ઈન્સ્ટોલેશનમાં સલામતી સુનિશ્ચિત કરવા પર ભાર મૂકે છે. દેશમાં વિદ્યુત સલામતી, વિજળીકાર્યની સલામતી પ્રક્રિયાઓ વિષે તેમણે ઉપયોગી માહિતી આપી હતી.

  

          આ પ્રસંગે BIS- સુરત પ્રમુખશ્રી એસ.કે. સિંઘે આવનારા સમયમાં દેશમાં આગ, કરંટ સહિતના ઈલેક્ટ્રિક સુરક્ષાભંગથી સર્જાતી દુર્ઘટનાઓને ટાળવા વિદ્યુત સુરક્ષા અંગેના નિયમો ચોક્કસપણે અનુસરવા જરૂરી હોવાનું જણાવી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓમાં વિવિધ વિવિધ સ્પર્ધાઓ અને ફિલ્ડ ટ્રીપ દ્વારા ઘર, બિલ્ડિંગ, શાળા સહિતની દરેક જગ્યાઓએ ઈલેક્ટ્રિક સેફટી અંગે જાગૃત બને અને અન્યોને જાગૃત્ત કરે તેવો આગ્રહ કર્યો હતો. 

                BISના શ્રી જતીન તિવારીએ નેશનલ ઈલેક્ટ્રિકલ કોડ ઓફ ઈન્ડીયા વિષે તેમજ તેના વિવિધ નિયમોની વિગતવાર સમજ આપી હતી. સાથે BISની વિવિધ કામગીરી જેમ કે સ્ટાન્ડર્ડાઈઝેશન, સર્ટિફિકેશન અને લેબોરેટરી અંગે પણ જાણકારી આપી હતી. 

             આ વર્કશોપમાં વિવિધ વિદ્યુત ઉપકરણો વિકસાવતી કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા આર્ક ફોલ્ટ ડિટેકશન ડિવાઈસ, સેફ વાયરિંગ પ્રેક્ટિસ, NEC ૨૦૨૩ આધારે માપણી અને વેરિફિકેશન સહિતના વિવિધ ટેકનિકલ વિષયોની વિગતવાર ચર્ચા કરી હતી. 

            આ પ્રસંગે નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક(વડોદરા) શ્રી એસ.એસ.શાહ, સિમેન્સના પ્રોડક્ટ મેનેજરશ્રી વિકાસ ચૌધરી, મહિન્દ્રા સોલરાઈઝનાશ્રી સાગર સક્સેના, પોલિકેબ ઈન્ડિયાના સમીર ધારસંદિયા, સોનલ ઈન્સ્ટ્રુમેન્ટ ઈન્ડિયાના સેલ્સ મેનેજરશ્રી પરેશ સરસિયા સહિત મોટી સંખ્યામાં એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા હતા.

Comments